બ્રેઇલ લિપિના જનક લુઈ બ્રેઇલ |Louis Braille, inventor of Braille
પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ જોઈ શકતી ન હોવા છતાં આંગળીનાં ટેરવાં, એક ચોક્કસ પ્રકારની ઉપસાવેલી લિપિ પર ફેરવી એકદમ સામાન્ય માનવીની જેમ જ બધું વાંચી શકતો હોય છે. આ લિપિ એટલે બ્રેઇલ લિપિ. તેનો આવિષ્કાર કરનાર લુઇ બ્રેઇલ પોતે અંધ હતા.
મધ્યમવર્ગીય પરિવારમાં ૧૮૦૯માં ફ્રાન્સમાં જન્મેલા લુઇ ફક્ત ત્રણ વર્ષના હતા ત્યારે એક અકસ્માતમાં દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. હજુ દુનિયા સમજવાની ઉંમરની શરૂઆત થાય એ પહેલાં જ દૃષ્ટિ ગુમાવનાર લુઈ માટે બેશક અઘરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, પરંતુ લુઇએ સહજતાથી આ પરિસ્થિતિનો સ્વીકાર કરી લીધો. એ જમાનામાં બ્રેઈલ લિપિ બની નહોતી. તેથી લોકોની મદદ અને લાકડીનો સહારો લેવા સિવાય એમની પાસે બીજો કોઈ રસ્તો નહોતો, પરંતુ આ તો લુઈ હતા. બ્લાઈન્ડ હોવા છતાં પોતાની તેજસ્વિતાનો ચમત્કાર બતાવવાનું શરૂ કર્યું. પરિણામે ત્યાંના ચર્ચના પાદરીએ પેરિસની એક અંધશાળામાં તેને દાખલ કરાવી દીધો. લુઈને તો દોડવું હતું ને ઢાળ મળ્યો. ઇતિહાસ, ભૂગોળ જેવા વિષયો પર તેની જબરી પકડ હતી. ભણતરમાં અવ્વલ લુઇની સમય જતાં એ જ વિદ્યાલયમાં અધ્યાપક તરીકે નિયુક્તિ કરવામાં આવી.
હવે લુઈને દ્રષ્ટિહીન લોકોનું જગત બદલવું હતું. અથાક પરિશ્રમ અને ઊંડાં સંશોધનના અંતે પ્રખર બુદ્ધિમાન લુઈએ લિપિનું સર્જન કર્યું. જેમાં ફક્ત અક્ષરો કે અંકો જ નહીં, તમામ ચિહ્નોનો પણ સમાવેશ કર્યો હતો. આ લિપિ જગત આખામાં બ્રેઇલ લિપિ તરીકે ઓળખાય છે. જેણે પ્રજ્ઞાચક્ષુઓનાં જીવનમાં નવી ક્ષિતિજોનું સર્જન કર્યું છે.
Comments
Post a Comment